કોરોના સામેના યુદ્ધમાં ભારતને મળશે વધુ 5 ‘હથિયાર’


 કોરોના વાઈરસના જંગમાં ભારતને વધુ પાંચ હથિયારો ઉપલબ્ધ થશે. કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં દેશમાં વેક્સિનના બે અબજથી વધુ ડોઝ ઉપલબ્ધ થવાની આશા સેવાઈ રહી છે.

જેમાં સીરમની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયન સ્પૂતનિક-વી ઉપલબ્ધ છે. જેમાથી સ્પૂતનિક-વી આગામી સપ્તાહે બજારમાં આવી રહી છે.

સરકાર આગામી દિવસોમાં કોરોના સામેના યુદ્ધમાં વધુ પાંચ રસીઓ મળવાની આશા સેવી રહી છે. આમાની ચાર રસીઓ મેડ ઈન ઈન્ડિયા છે. મળનારી વધુ પાંચ રસી સંદર્ભે જાણીએ- તો

બાયોલોજિકલ ઈ સબયૂનિટ વેક્સિન-

આ સબયૂનિટ વેક્સિન પરીક્ષણના ત્રીજા તબક્કામાં છે. પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલમાં રસી સુરક્ષિત હોવાનું તારણ છે. કેન્દ્ર સરકારને ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે મંજૂરી મળ્યા બાદ આ રસીના 30 કરોડ ડોઝ મળવાની આશા છે.

ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન-

ઝાયડસ કેડિલાની આ રસી પોતાના પરીક્ષણના ત્રીજા સ્ટેજમાં છે. કંપની દ્વારા આના લાયસન્સ માટે નજીકના ભવિષ્યમાં અરજી કરવામાં આવશે. આ ત્રણ ડોઝવાળી વેક્સિન છે અને તેને ઈન્જેક્શન ફ્રી તકનીકથી આપવામાં આવશે. સરકારને ડિસેમ્બર સુધીમાં ઝાયડસ કેડિલાની વેક્સિનના પાંચ કરોડ ડોઝ મળવાની આસા છે.

નોવાવેક્સ અથવા કોવાવેક્સ-

કોવિશિલ્ડનું ઉત્પાદન કરનારી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા જ તેનું નિર્માણ કરી રહી છે. આ વેક્સિનને અમેરિકાની કંપની નોવાવેક્સે વિકસિત કરી છે અને તેનું ભારતમાં ઉત્પાદન થવાનું છે.

ભારત બાયોટેકની નેઝલ વેક્સિન-

ભારત બાયોટેક નાક દ્વારા આપવામાં આવતી નેઝલ વેક્સિન પર કામ કરી રહી છે. આ વેક્સિન એક જ ડોઝની હશે અને તે નીડલ ફ્રી હશે. તેના બે તબક્કાના પરીક્ષણો થઈ ચુક્યા છે.

જેનોવા MRNA વેક્સિન-

પુણેની જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ કંપની આ મેસેન્જર આરએનએ વેક્સિનને વિકસિત કરી રહી છે. ફાઈઝર અને મોડર્ના જેવી અમેરિકન વેક્સિન પણ એમઆરએનએ વેક્સિન છે.

Comments