નાગા સાધુઓનો રહસ્યલોક-7: 3 પંથોમાં વહેંચાયેલા 13 અખાડાઓનું સંન્યાસી વિશ્વ

 

નાગા સાધુઓના 13માંથી 7 અખાડા શૈવ પંથી

નાગા સાધુઓના ત્રણ અખાડા વૈષ્ણવ

નાગા સાધુઓના ત્રણ અખાડા ઉદાસીન

આઝાદી પછી અખાડાઓએ સૈન્ય ચરિત્ર છોડયું


નાગા સાધુ પરંપરાને આદિગુરુ શંકારાચાર્યે મઠ-મંદિરો અને દેશની સુરક્ષા માટે અખાડાનું સ્વરૂપ આપ્યું હતું. પરંતુ આઝાદી બાદ આ અખાડાઓએ પોતાનું સૈન્ય ચરિત્ર ત્યાગી દીધું છે. આ અખાડાઓના પ્રમુખોએ ભારપૂર્વક કહ્યુ છે કે તેમના અનુયાયીઓ ભારતીય સંસ્કૃતિ અને દર્શનના સનાતની મૂલ્યોના અધ્યય અને સનાતની મૂલ્યોનો અભ્યાસ અને અનુપાલન કરતા સંયમિત જીવન વ્યતીત કરે. દેશણાં હાલ શૈવ સંપ્રદાયના સાત, વૈષ્ણવના ત્રણ અને ઉદાસીન પંથના ત્રણ એમ કુલ 13 માન્યતા પ્રાપ્ત અખાડા છે.

શૈવ સંન્યાસી સંપ્રદાયના સાત અખાડામાં- પંચાયતી અખાડા, મહાનિર્વાણી, પંચ અટલ અખાડા, પંચયતી અખાડા નિરંજની, તપોનિધિ આનંદ અખાડા, પંચદશનામ જૂના અખાડા, પંચદશનામ આહ્વવાન અખાડા, પંચદશનામ પંચઅગ્નિ અખાડા સામેલ છે. વૈરાગી વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડાઓમાં દિગમ્બર અણિ અખાડા, નિર્વાણી અણિ અખાડા, પંચ નિર્મોહી અણિ અખાડાનો સમાવેશ થાય છે. જ્યારે ઉદાસીન સંપ્રદાયના ત્રણ અખાડામાં- પંચાયતી બડા ઉદાસીન અખાડા, પંચાયતી અખાડા નયા ઉદાસીન અને નિર્મલ પંચાયતી અખાડા સામેલ છે. નાગા સાધુઓના 13 માન્યતા પ્રાપ્ત અખાડાની વધુ વિગતો આ પ્રમાણે છે.

1.       શ્રી નિરંજની અખાડા-

આ અખાડાની સ્થાપના ઈ.સ.826માં ગુજરાતના માંડવી ખાતે થઈ હતી. તેના ઈષ્ટદેવ ભગવાન શંકરના પુત્ર કાર્તિકસ્વામી છે. તેમા દિગંબર, સાધુ, મહંત અને મહામંડલેશ્વર હોય છે. તેમની શાખાઓ પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર, ત્ર્યંબકેશ્વર અને ઉદયપુરમાં છે.

2.       શ્રી જૂનાદત્ત અથવા જૂના અખાડા-

આ અખાડાની સ્થાપના 1145માં ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં થઈ હતી. તેને ભૈરવ અખાડો પણ કહે છે. તેના ઈષ્ટદેવ રુદ્રાવતાર દત્તાત્રેય છે. તેનું કેન્દ્ર વારાણસીના હનુમાન ઘાટને માનવામાં આવે છે. હરિદ્વારમાં માયાદેવી મંદિર પાસે તેનો આશ્રમ છે. આ અખાડાના નાગા સાધુ જ્યારે શાહી સ્નાન માટે સંગમ તરફ આગળ વધે છે, તો કુંભમેળામાં શ્રદ્ધાળુઓ સહીત દુનિયાના શ્વાસ આ અદભૂત દ્રશ્ય જોવા માટે થંભી જાય છે.

3.       શ્રી મહાનિર્વાણ અખાડા-

તેની સ્થાપના 681માં થઈ હતી. કેટલાકના મતે તેનો જન્મ બિહાર-ઝારખંડના બૈજનાથ ધામમાં થયો હતો. તો કેટલાકનું માનવું છે કે તેનો જન્મ હરિદ્વારમાં નીલધારા પાસે થયો છે. તેના ઈષ્ટ કપિલ મહામુનિ છે. તેની શાખાઓ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર ઓંકારેશ્વર અને કનખલમાં છે. 1260માં મહંત ભગવાનંદ ગિરીના નેતૃત્વમાં 22 હજાર નાગા સાધુઓએ કનખલ ખાતેના મંદિરને આક્રમણકારી સેનાના તાબામાંથી છોડાવ્યું હતું.

4.       શ્રી અટલ અખાડા-

આ અખાડો 569માં ગોંડવાના ક્ષેત્રમાં સ્થાપિત કરાયો હતો. તેના ઈષ્ટદેવ ભગવાન ગણેશ છે. તે સૌથી પ્રાચીન અખાડાઓમાંથી એક માનવામાં આવે છે. તેની મુખ્યપીઠ પાટનમાં છે. પરંતુ આશ્રમ કનખલ, હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં પણ છે.

5.       શ્રી આહ્વવાન અખાડા-

આ અખાડો 646માં સ્થાપિત થયો અને 1603માં તેને પુનર્સંયોજિત કરાયો હતો. તેના ઈષ્ટ શ્રી દત્તાત્રેય અને શ્રી ગજાનન છે. આ અખાડાનું કેન્દ્ર સ્થાન કાશી છે. તેનો આશ્રમ ઋષિકેશમાં પણ છે. સ્વામી અનૂપગિરી અને ઉમરાવ ગિરી આ અખાડાના મુખ્ય સંતોમાંથી છે.

6.       શ્રી આનંદ અખાડા-

આ અખાડો 855માં મધ્યપ્રદેશના બેરારમાં સ્થાપિત થયો હતો. તેનું કેન્દ્ર વારાણસીમાં છે. તેની શાખાઓ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈનમાં પણ છે.

7.       શ્રી પંચાગ્નિ અખાડા-

આ અખાડાની સ્થાપના 1136માં થઈ હતી. તેના ઈષ્ટ દેવ ગાયત્રીમાતા છે. તેનું મુખ્ય કેન્દ્ર કાશી છે. તેના સદસ્યોમાં ચારેય પીઠના શંકરાચાર્ય, બ્રહ્મચારી, સાધુ અને મહામંડલેશ્વર સામેલ છે. તેની શાખાઓ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં છે.

8.       શ્રી નાગપંથી ગોરખનાથ અખાડા-

આ અખાડાની સ્થાપના 866માં અહિલ્યા-ગોદાવરી સંગમ પર થઈ હતી. તેના સ્થાપક પીર શિવનાથજી છે. તેના મુખ્ય દૈવત ગોરખાનાથ છે અને તેમા બાર પંથ છે. તે સંપ્રદાય યોગિની કૌલ નામથી પ્રસિદ્ધ છે અને ત્ર્યંબકેશ્વર શાખા ત્ર્યંબકંમઠિકા નામથી ઓળખાય છે.

9.       શ્રી વૈષ્ણવ અખાડા-

આ બાલાનંદ અખાડાની સ્થાપના 1595માં દારાગંજમાં શ્રી મધ્યમુરારી ખાતે થઈ હતી. સમયની સાથે તેમા નિર્મોહી, નિર્વાણી, ખાખી એમ ત્રણ પંથ બન્યા. તેનો અખાડો ત્ર્યંબકેશ્વરમાં મારુતિ મંદિર પાસે હતો. 1848 સુધી શાહી સ્નાન ત્ર્યંબકેશ્વરમાં કરતા હતા. પરંતુ 1848માં શૈવ અને વૈષ્ણવ સાધુઓમાં પહેલા સ્નાન કરવા મામલે ઝઘડો થયો. શ્રીમંત પેશ્વાજીએ આ વિવાદ ઉકેલ્યો હતો. તે સમયે તેમણે ત્ર્યંબકેશ્વર નજીક ચક્રતીર્થા પર સ્નાન કર્યું હતું. 1932થી તેઓ નાસિકમાં સ્નાન કરવા લાગ્યા. આજે પણ આ સ્નાન નાસિકમાં જ થાય છે.

10.   શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા-

તેના સંસ્થાપક શ્રી ચંદ્રઆચાર્ય ઉદાસીન છે. તેમા સાંપ્રદાયિક ભેદ છે. તેમા ઉદાસીન સાધુ, મહંત અને મહામંડલેશ્વરોની સંખ્યા વધારે છે. તેની શાખા પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર, ભદૈની, કનખલ, સાહેબગંજ, મુલતાન, નેપાળ અને મદ્રાસમાં છે.

11.   શ્રી ઉદાસીન નયા અખાડા-

બડા ઉદાસીન અખાડાના કેટલાક સાધુઓ વિભક્ત થઈને તેની સ્થાપના કરી હતી. તેના પ્રવર્તક મહંત સુધીરદાસજી હતા. તેની શાખાઓ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં છે.

12.   શ્રી નિર્મલ પંચાયતી અખાડા-

આ અખાડાની સ્થાપના 1784માં થઈ હતી. 1784માં હરિદ્વાર કુંભમેળા સમયે એક મોટી સભામાં વિચારવિમર્શ કરીને શ્રીદુર્ગાસિંહ મહારાજે તેની સ્થાપના કરી હતી. તેનું ઈષ્ટ પુસ્તક શ્રીગુરુગ્રંથ સાહિબ છે. તેમા સાંપ્રદાયિક સાધુ, મહંત અન મહામંડલેશ્વરોની સંખ્યા ઘણી છે. તેની શાખાઓ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં છે.

13.   શ્રી નિર્મોહી અખાડા-

આ અખાડાની સ્થાપના 1720માં રામાનંદાચાર્યે કરી હતી. આ અખાડાના મઠ અને મંદિરો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને બિહારમાં છે. જૂના જમાનામાં તેના અનુયાયીઓને તિરંદાજી અને તલવારબાજીનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.

Comments