નાગા સાધુઓનો રહસ્યલોક-6: નાગા સાધુઓને પૃથ્વીરાજ ચૌહાને શા માટે આપ્યો હતો પહેલા કુંભસ્નાનનો અધિકાર? જાણો આ રોચક તથ્ય

 

મોહમ્મદ ઘોરીની સેનાઓને કુરુક્ષેત્રમાં નાગા સાધુઓએ ઘેરી હતી

નાગા સાધુઓને પહેલા કુંભસ્નાનનું પૃથ્વીરાજે આપ્યું હતું સમ્માન

તૈમૂર લંગ સામે જ્વાલાપુરમાં નાગા સાધુઓએ લીધી હતી ટક્કર

ખિલજી સામે નાથ સંપ્રદાયના સાધુઓની સેનાએ કર્યો મુકાબલો

અબ્દાલીની સેના સામે પણ નાગા સાધુઓએ ભીડી હતી બાથ


મોહમ્મદ ઘોરીને કુરુક્ષેત્રમાં હરાવ્યો-

વિદેશી આક્રમણોમાં નાગા સાધુઓએ અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાનના શાસનકાળમાં મોહમ્મદ ઘોરીની સેના કુરુક્ષેત્ર અને પેહોવાના મંદિરોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહી હતી, ત્યારે નાગા સાધુઓએ કુરુક્ષેત્રમાં મોહમ્મદ ઘોરીની સેનાને ઘેરી લીધી હતી. તેના પછી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાનની સેનાએ ઘોરીની સેનાને તરાઈનમાં હરાવી હતી. આ યુદ્ધ બાદ કુંભમેળામાં નાગા યોદ્ધાઓને સમ્માન આપવા માટે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાને સૌથી પહેલા કુંભસ્નાનનું સમ્માન અને અધિકાર આપ્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે કે નાગા સાધુઓના અખાડા કુંભમાં પહેલા સ્નાન કરે છે.

તૈમૂર લંગ-ખિલજી સામે પણ લીધી ટક્કર-

નાગા સાધુઓની વીરતાની ગાથા દિલ્હી લૂંટીને હરિદ્વારમાં વિધ્વંસ માટે નીકળેલા તૈમૂર લંગ સામેની ટક્કરમાં પણ જોવા મળે છે. હરિદ્વાર નજીકના જ્વાલાપુરની લડાઈમાં નાગા સાધુઓએ તૈમૂર લંગને આકરી લડત આપીને હટી જવા માટે મજબૂર કર્યો હતો. તૈમૂર લંગના હુમલા સમયે મોટાભાગના રાજાઓ ડરને કારણે છૂપાય ગયા હતા. ત્યારે નાગા સાધુઓએ ખુવારીની પરવાહ કર્યા વગર તૈમૂરનો મુકાબલો કર્યો હતો. તો અલાઉદ્દીન ખિલજીના આક્રમણો વખતે પણ નાથ સંપ્રદાયના યોદ્ધા સાધુઓએ આકરો મુકાબલો કર્યો હતો.

અબ્દાલી-અફઘાનોનો કર્યો મુકાબલો-

અહમદશાહ અબ્દાલીના આક્રમણ સમયે પાણિપતમાં મરાઠા સેનાની હાર બાદ મથુરા, વૃંદાવન અને ગોકુળની સુરક્ષા માટે 40 હજાર નાગા સાધુઓએ અફઘાની સેનાની સામે ટક્કર લીધી હતી.

પાણિપતની હારનો બદલો લેવા માટે પેશ્વા માધવરાવે અફઘાનો પર આક્રમણ કર્યું હતું, તો નાગા સાધુઓએ અબ્દાલીના સ્થાનિક મદદગારોનો ખાત્મો બોલાવ્યો હતો.

Comments