નાગા સાધુઓનો રહસ્યલોક-4: અકબર,ઔરંગઝેબ, અબ્દાલી, અંગ્રેજોને ચખાડયું છે નાગા સાધુઓએ પોતાની તલવારોનું પાણી

 

અકબર સામે મહારાણા પ્રતાપને નાગા સાધુઓએ કરી હતી મદદ

ઔરંગઝેબની સેનાઓને હરિદ્વાર, કાશીમાંથી ખદેડી હતી

અબ્દાલીની સેનાને મથુરા, ગોકુળમાં કરાવી હતી પીછેહઠ

અંગ્રેજો સામે પણ નાગા સાધુઓએ ઉઠાવ્યા હતા શસ્ત્ર


નાગા સાધુઓ યોગવિદ્યામાં પ્રવીણ હોય છે. તેનાથી તેમની સંઘર્ષ શક્તિ બેહદ વધી જાય છે. નાગા સાધુ એક સૈન્ય પંથની જેમ સુસજ્જિત છે. તેના પદાનુક્રમ પણ સૈન્ય રેજિમેન્ટની જેમ હોય છે. તેઓ ત્રિશુલ, ભાલા, તલવાર, ગદા જેવા શસ્ત્રો ધારણ કરે છે.

નાગા સંન્યાસીઓ મોતથી ડરતા નથી, કારણ કે તેમણે જીવતા જીવત પોતાના હાથે પોતાનું પિંડદાન કરી દીધું હોય છે. નાગા સાધુ રણભૂમિમાં ઉતરે છે, ત્યારે દુશ્મનને મારી નાખવાનું ઝનૂન તેમના ઉપર સવાર હોય છે. તેના કારણે વિધર્મી લૂંટારાઓમાં તેમનો ઘણો ખોફ જોવા મળતો હતો. નાગા સાધુઓએ અફઘાન, મુઘલ અને અંગ્રેજો સહીતના તમામ વિદેશી આક્રાંતાઓને પોતાના શસ્ત્રોનું પાણી ચખાડયું હતું.

મહારાણા પ્રતાપને મળ્યો હતો નાગા સાધુઓનો સાથ-

જગવિખ્યાત અટલ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપને મેવાડ અને ભારતભૂમિની આન-બાન-શાનની સુરક્ષા માટે મુઘલો સામે યુદ્ધ લડવામાં નાગા સંન્યાસીઓનો ભરપૂર સાથ મળ્યો હતો. જેના કારણે મુઘલોના છક્કા છૂટી ગયા હતા. રાજસ્થાનના પંચમહુઆ વિસ્તારમાં છાપલી તાલાબ અને રાણાકડા ઘાટની વચ્ચે થયેલા યુદ્ધમાં ત્યાં વીરગતિ પામેલા નાગા સાધુઓની સમાધિઓ આજે પણ જોઈ શકાય છે.

ઔરંગઝેબ સામે ટક્કર લઈ કાશીની કરી સુરક્ષા-

ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબ જ્યારે કાશીના વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો, ત્યારે મહાનિર્વાણી દશનામી અખાડાના સંન્યાસીઓએ તેની સુરક્ષા માટે લડાઈ લડી હતી. સંઘર્ષ બેહદ લોહિયાળ હતો અને ઔરંગઝેબની મુઘલ સેનાને આંશિક સફળતા મળી. પરંતુ સંન્યાસીઓએ વારાણસી શહેરની સુરક્ષા કરી અને મંદિરને નષ્ટ થતું બચાવ્યું હતું.

રામજન્મભૂમિ માટે નાગા સાધુઓના બલિદાન-

અયોધ્યામાં રામજન્મભૂમિ બચાવવા માટે નાગા સાધુઓએ ખૂબ બલિદાન આપ્યા છે. સંત બાલાનંદે પોતાના ગુરુભાઈ માનદાસ સાથે મળીને મુસ્લિમ સેનાઓ સામે લાંબો મોરચો લીધો હતો. રામજન્મભૂમિ મુક્ત કરાવવા માટે મોટા 76 યુદ્ધો થયા છે. જેમા બાબા વૈષ્ણવદાસ, સંત બલરામાચાર્ય, સ્વામી મહેશાનંદ, રાજગુરુ પં.દેવીદીન પાંડેય જેવા ઘણાં સંન્યાસી યોદ્ધાઓએ વિધર્મીઓ સામે ઝૂઝતા પોતાના પ્રાણોની આહૂતિ રામજન્મભૂમિને મુક્ત કરાવવા માટે આપી હતી.

હરિદ્વાર કુંભમાં ઔરંગઝેબની ફૌજ ભગાડી-

1666માં હરિદ્વાર કુંભ મેળા પર ઔરંગઝેબના સૈનિકોએ હુમલો કર્યો હતો. ત્યારે નાગા સંન્યાસીઓએ સાધુ-સંતોને એકત્રિત કરીને યુદ્ધ કર્યું અને મુઘલ સેનાને ખદેડી હતી.

બંગસનો પ્રયાગરાજ પરનો હુમલો બનાવ્યો નિષ્ફળ-

1751માં અહમદ અલી બંગસનો પ્રયાગરાજ પરનો હુમલો નાગા સાધુઓએ નિષ્ફળ બનાવ્યો હતો. બંગસે કુંભમેળા વખતે પ્રયાગરાજ પર હુમલો કર્યો હતો. ત્યારે સંત રાજેન્દ્રગિરિના નેતૃત્વમાં પચાસ હજાર નાગા સંન્યાસીઓએ મોરચો સંભાળ્યો હતો અને બંગસની ફૌજોને ઉભી પુંછડિયે ભાગવા મજબૂર બનવું પડયું હતું. 

અહમદશાહ અબ્દાલીની સામે લડયા નાગા સાધુઓ-

1757માં અફઘાન લુંટારા અહમદશાહ અબ્દાલીએ દિલ્હી પર હુમલો કર્યો હતો. મુઘલ શાસક તેનો સામનો કરી શક્યો નહીં અને દિલ્હી કબજે કર્યા બાદ અબ્દાલીની સેનાઓ મથુરાને અપવિત્ર કરવા માટે આગળ વધી હતી. ત્યારે નાગા સંન્યાસીઓએ અબ્દાલીનો સામનો કર્યો હતો. આ યુદ્ધમાં અબ્દાલીની લૂંટારી સેનાને આકરો જવાબ મળ્યો હતો અને અબ્દાલીની સેનામાં કોલેરા ફેલાયો હતો. તેના ડરથી અબ્દાલીની સેના ભાગી ગઈ હતી. અબ્દાલીની સેનાથી ગોકુળને પણ બચાવ્યું હતું.

નાગા સાધુઓનું અબ્દાલી સામે ગોકુળ ખાતેનું યુદ્ધ-

અહમદશાહ અબ્દાલી દિલ્હી અને મથુરા થઈને ગોકુળ તરફ કૂચ કરવા લાગ્યો હતો. અબ્દાલી ગોકુળમાં પ્રવેશતા જ કત્લેઆમ શરૂ કરી અને મહિલાઓને કેદ કરીને તેમની સાથે બળાત્કાર જેવા જઘન્ય અપરાધો થવા લાગ્યા. મહિલાઓ અને બાળકોને વેચવાનું શરૂ કરાયું હતું. ગોકુળમાં સતત અહમદશાહ અબ્દાલીની તાનાશાહી અને અત્યાચારો જોઈને ગોકુળના નાગા સાધુઓએ તેની સામે હથિયારો ઉઠાવ્યા હતા. ગોકુળની સુરક્ષા માટે પાંચ હજાર નાગા સાધુ અફઘાન સેના સામેની લડાઈમાં કૂદી પડયા હતા. હજારો સૈનિકો ધરાવતી અફઘાની સેનાએ પાંચ હજાર નાગા સાધુઓની ફોજને નાની સમજવાની ભૂલ કરી અને નાગા સાધુઓના પ્રહારોથી અહમદશાહ અબ્દાલીની સેના હચમચી ગઈ હતી. 2000 નાગા સાધુઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું અને અફઘાની સેનાને પાંચ હજાર નાગા સાધુઓની સેનાએ ગોકુળ તરફ આગળ વધતી રોકવાની વીરતા દેખાડી હતી. નાગા સાધુઓએ બળશાળી અબ્દાલીની સેનાઓને ભાગવા માટે મજબૂર કરી હતી. અબ્દાલીની સેનાને ગોકુળમાંથી પીછેહઠ કરવી પડી હતી.

નાગા સાધુઓએ જોધપુર રિયાસતની કરી હતી સુરક્ષા-

જ્યારે કાબુલ અને બલોચિસ્તાનથી ભારતમાં મુસ્લિમ આક્રમણ થયું અને જોધપુરમાં દરેક બાજુ કત્લેઆમ થઈ રહી હતી અને હિંદુ મંદિરોને તોડવામાં આવી રહ્યા હતા. ત્યારે હિંદુઓ પર આક્રમણખોરોના અત્યાચાર રોકવા માટે નાગા સાધુઓએ તલવાર ઉઠાવી હતી અને નાગા સાધુઓના સંઘર્ષને કારણે આક્રમણખોરોએ જોધપુર છોડવાની ફરજ પડી હતી.

અંગ્રેજો સામે સંન્યાસીઓએ ઉઠાવ્યા હતા હથિયાર-

બંગાળમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરુદ્ધ પણ સંન્યાસીઓએ વિદ્રોહનો શંખનાદ કર્યો હતો. તેને સંન્યાસી રિબેલિયન તરીકે ઓળખવામાં આવે છે. 1770માં જ શરૂ થઈ હતી આ લડાઈ,  જ્યારે બક્સરના યુદ્ધ બાદ બ્રિટિશ લોકો ટેક્સ વસૂલવા લાગ્યા હતા, ત્યારે તેનો વિરોધ થયો ઙતો. સંન્યાસીઓએ જલપાઈગુડીના મુર્શિદાબાદ અને વૈકુંઠપુર જંગલોમાં સશસ્ત્ર યુદ્ધો કર્યતા હતા. બંકિમચંદ્ર ચેટર્જીના પુસ્તક આનંદમઠમાં આને હિંદુ આંદોલન કહેવામાં આવે છે. અવધ અને બંગાળના નવાબો અને મહારાષ્ટ્રના રાજપૂત રાજાઓએ પણ સંન્યાસીઓને પોતાની સેનામાં સામેલ કર્યા હતા. આ આંદોલન પાંચ દશક સુધી ચાલ્યું હતું.

Comments