નાગા સાધુઓનો રહસ્યલોક-3: નાગા સંન્યાસી બનવામાં જાતિ-ધર્મના કોઈ ભેદભાવ કે બંધન નથી!



કોઈપણ જાતિ-વર્ણ, ધર્મના લોકો નાગા સાધુ બની શકે છે

નાગા સાધુની યોગ્યતાનો માપદંડ વૈરાગ્ય છે

વૈરાગ્યથી વિતરાગની યાત્રાનું નામ જ છે સંન્યાસ

માનવતાનું સંવર્ધન, સંરક્ષણ અને સુરક્ષા છે લક્ષ્ય


નાગા સાધુ માત્ર હિંદુ જ બની શકે અને હિંદુમાં કોઈ ખાસ વર્ણોના લોકો જ બની શકે તો તેવી ભ્રાંતિઓને ભાંગીને ભુક્કો કરી નાખો. હિંદુ ધર્મમાં જાતિવ્યવસ્થા કે વર્ણવ્યવસ્થાને લઈને ઘણી ચર્ચાઓ થતી રહે છે. અસ્પૃશ્યતાના કલંકને લઈને પણ હિંદુ ધર્મને ભાંડવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે નાગા સાધુ બનવાને આડે જાતિ, ધર્મ, રંગ વગેરે આવતા નથી. જાતિ કોઈપણ હોય, રંગ કોઈપણ હોય, અરે ધર્મ પણ કોઈપણ હોય, પરંતુ વ્યક્તિના મન-હ્રદયમાં વૈરાગ્યની તીવ્ર ઈચ્છા છે... તો તે નાગા સાધુ બનવાની યોગ્યતા ધરાવે છે. ઘણાં મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોના લોકોને પણ નાગા સાધુ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.

હવે વિચાર કરો કે જે હિંદુ સનાતન ધર્મની સુરક્ષા માટે ધર્મયોદ્ધાઓ સમાન નાગા સાધુ બનવાની પ્રક્રિયા છે. તેમા કોઈ નાતજાત, પંથ-સંપ્રદાય અને રંગ જોવાતા નથી. તો હિંદુ સમાજે આવા ભેદભાવ શા માટે કરવા જોઈએ? જાતિવાદથી ઉપર ઉઠવાની પ્રેરણા નાગા સાધુઓ આપણને આપી રહ્યા છે. આ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષાનું માધ્યમ પણ છે.

અખાડામમાં કોતવાલ હોય છે. તેમની જવાબદારી અખાડાની દેખરેખ રાખીને નાગા સંન્યાસીઓની ઓળખ કરવાની હોય છે. એકવાર સંન્યાસી અખાડાનો હિસ્સો બની જાય છે, પછી માર્ગ બેહદ કઠિન થઈ જાય છે. કેટલાક વર્ષો સુધી ઉમેદવારોને ચકાસવામાં આવે છે કે તેઓ પોતાની ઈચ્છાથી સંન્યાસી બની રહ્યા છે કે કોઈ સંકટથી બચવા માટે આમ કરી રહ્યા છે. તમામ પરીક્ષાઓમાંથી પસાર થનારા ઉમેદવારને જ અસલી નાગા સંન્યાસી ગણાવવામાં આવે છે.

વૈરાગ્યથી વિતરાગી થઈ જવાની યાત્રાનું નામ છે સંન્યાસ અથવા સંન્યાસી થઈ જવું. નાગા સંન્યાસીઓના જીવનનું મુખ્ય લક્ષ્ય અને આખરી લક્ષ્ય ધાર્મિક, આધ્યાત્મિક સાધાના સિદ્ધિથી જીવનના અનુભવોને સઘન કરીને તેની પેલે પાર નીકળી જવાનું છે. બહારી લાલચથી ખુદને કાપીને અસ્તિત્વની ઊંડાઈને સમજવી જ તેમનું એકમાત્ર સાધ્ય રહી જાય છે. બાકી ભૌતિક સુવિધાઓ માત્ર જીવન સંચાલન માટે યુક્તિપ્રયુક્તિના સાધન માત્ર છે.

Comments