ખોડલધામથી ફાઈટ ફૉર પાટીદાર CMનો પ્રારંભ, 2022માં ગુજરાતમાં પટેલ પાવરની અવગણના ભાજપને પડશે ભારે

- આનંદ શુક્લ

2015થી શરૂ થયેલી પાટીદાર અનામતની માગણી ગુજરાતના રાજકારણમાં અઢી દાયકાથી ચાલી રહેલી રાજકીય તાસિરના પરિવર્તનનો પાયો છે. 2012ની વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે 1998, 2002 અને 2007 જેટલી સરળ ન હતી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી જેવા મોટાગજાના નેતાને કારણે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટેના કપરા ચઢાણની ખાસ ખબર પડી નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. પરંતુ આ મહાવિજય પાછળ નરેન્દ્રભાઈ મોદીનો રાજકીય કરિશ્મો સૌથી વધુ કારણભૂત હતો.


ગાંધીનગર અને નવી દિલ્હી વચ્ચે સેંકડો કિલોમીટરોનું અંતર છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત દિલ્હીની ગાદી પર આવ્યા છે. કોરોનાકાળમાં દેશ સામે ઘણાં પડકારો છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્તરે નરેન્દ્રભાઈ મોદી જેવા કરિશ્માઈ નેતાની ઉણપ વર્તાય રહી છે. મોટાગજાના નેતાની પ્રદેશ સ્તરે ગેરહાજરીમાં સંગઠન સ્તરથી માંડીને ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય અને સામાજીક ગતિવિધિઓ આગામી સમયમાં રાજ્યમાં નવા રાજકીય સમીકરણોના સંકેત કરે છે.


આમ આદમી પાર્ટી ગુજરાતમાં રાજકારણનો ત્રિકોણ કરશે પુરો?


થોડા સમયગાળા પહેલા ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા-નગરપાલિકા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મોટો વિજય મળ્યો. પરંતુ સૂરત મહાનગરપાલિકાના પરિણામો કોંગ્રેસ માટે ભલે ગોળ મીડું હતા. પરંતુ ભાજપ માટે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઉભો થઈ રહેલા રાજકીય પડકારને પ્રતિબિંબિત કરનારા હતા. સૂરત મહાનગરપાલિકામાં કૉંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા નથી. પરંતુ આમ આદમી પાર્ટી સૂરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ છે. એટલે કે સૂરતના પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જીત્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કેટલાક ઠેકાણે આમ આદમી પાર્ટીને કેટલાક ઠેકાણે જીત મળી છે અથવા નોંધપાત્ર દેખાવની તક મળી છે.


ખામ થિયરીની પટેલ પાવર સામે આખરે થઈ હતી હાર--


ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતા દ્વારા પાટીદાર નેતાને સત્તાકેન્દ્ર એટલે કે મુખ્યમંત્રીની ખુરશીથી દૂર રાખવા માટે ખામ થિયરી ઘડાઈ હતી. ખામ થિયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટથી જીત મેળવવાના સત્તા સમીકરણો. ખામ થિયરીને કારણે જાતિવાદી અને બાદમાં મજહબનું રાજકારણ ગુજરાતમાં જોર પકડતું ગયું અને તેની સાથે કટોકટી પછી સતત 1989 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ગુજરાતના બન્યા બાદ થોડાક સમયગાળાને બાદ કરતા રાજ્યમાં 1989 સુધી કોંગ્રેસનું જ શાસન હતું. પરંતુ કટોકટી પહેલા કોંગ્રેસની સરકારમાં પાટીદાર મુખ્યમંત્રીઓ બન્યા, પણ કટોકટી બાદની ગુજરાતની કોંગ્રેસ સરકારોમાં પાટીદાર મુખ્યમંત્રીઓ બની શક્યા નહીં.


ગુજરાતમાં 1989-90ના વર્ષમાં ચિમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તરીકે બે દિગ્ગજ પાટીદાર નેતાઓની હાજરી હતી. તેને કારણે ખામ થિયરીથી ચાલી રહેલું ગુજરાતનું રાજકારણ બદલાયું હતું.


ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી તરીકે નવનિર્માણ આંદોલન વખતે સીએમ રહી ચુકેલા અને કોંગ્રેસ છોડીને જનતાદળમાં જોડાયેલા ચિમનભાઈ પટેલને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. તેમની સાથે કેશુભાઈ પટેલને પણ ભાજપ તરફથી પ્રોજેક્ટ કરાઈ રહ્યા હતા. રામજન્મભૂમિ આંદોલનના પ્રારંભિક સમયગાળામાં ગુજરાતમાં પાટીદારોનું પોલિટિકલ મોબિલાઈઝેશન શરૂ થઈ ચુક્યું હતું. તેની સાથે ઓબીસી, ક્ષત્રિય, આદિવાસી અને અનુસૂચિત જાતિ જેવા હિંદુ મતદાતાઓ પણ કોંગ્રેસથી દૂર થવા લાગ્યા હતા. આ તમામનું પરિણામ રાજકીય પરિવર્તન તરીકે ગુજરાતમાં જોવા મળ્યું હતું. 1989-90માં જનતાદળ-ભાજપની સરકાર ટૂંકાગાળા માટે ચિમનભાઈ અને કેશુભાઈના નેતૃત્વમાં સત્તામાં આવી હતી. ચિમનભાઈ પટેલના નિધન બાદ કેશુભાઈ પટેલ પાટીદાર નેતા તરીકે પોતાનું કદ વિસ્તારી શક્યા હતા.


ગુજરાત ભાજપને જૂથવાદ અને નેતાઓના ગજગ્રાહથી થયું છે નુકસાન-


1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આને કારણે સત્તા પર પહોંચવાની તક મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે ગુજરાતે 1998 સુધી રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોઈ હતી. 1998માં ફરીથી ગુજરાતમાં ભાજપને જ્વલંત જીત મળી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. 2001માં આવેલા ભૂકંપ અને તેના પછીની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલી અસફળતાને કારણે તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી તરીકેની પોતાની ટર્મ પૂર્ણ કરી શક્યા નહીં.


પણ 7 ઓક્ટોબર, 2001ના રોજ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકેથી હટાવાયા બાદ ગુજરાતમાં છેક મે-2014 સુધી પટેલ મુખ્યમંત્રી એક મુંગેરીલાલના સપના જેવી મૃગ મરિચિકા જ હતી. જો કે નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી ગયા બાદ આનંદીબહેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પરંતુ પટેલ અનામત આંદોલન સાથે જોડાયેલા રાજકારણે તેમનો ભોગ લીધો અને પાટીદાર મુખ્યમંત્રીના સ્થાને ગુજરાતની કમાન ફરી એકવાર બિનપાટીદાર નેતા વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવી હતી. છેક છેલ્લી ઘડી સુધી પાટીદાર નેતા નીતિનભાઈ પટેલનું મુખ્યમંત્રી તરીકે નામ લગભગ નક્કી હતું. પરંતુ છેલ્લી ઘડીએ વિજયભાઈ રૂપાણીને સીએમ અને નીતિનભાઈ પટેલને ડેપ્યુટી સીએમ બનાવવામામાં આવ્યા હતા.


ગુજરાત ભાજપમાં આનંદીબહેન પટેલ વિરુદ્ધ અમિતભાઈ શાહના જૂથના રાજકારણને આના માટે જવાબદાર ગણવામાં આવ્યું હતું. જો કે આનંદીબહેન પટેલ રાજ્યપાલ તરીકે ઘણાં લાંબા સમયથી ગુજરાતની બહાર છે. તો અમિતભાઈ શાહ પણ પહેલા ભાજપ અધ્યક્ષ તરીકે અને હવે કેન્દ્રમાં ગૃહ મંત્રી તરીકે દિલ્હી નિવાસી થઈ ચુક્યા છે. જો કે અમિતભાઈ શાહની ગુજરાત ભાજપ પર પકડ અને નિયંત્રણ બંને યથાવત છે.


શું ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલાશે?-


આવા સંજોગોમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની નિમણૂક થવી અમિતભાઈ શાહના વરદહસ્તનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા સી. આર. પાટીલ મૂળભૂત રીતે બિનગુજરાતી એટલે મહારાષ્ટ્રીયન મૂળના છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે અઢી દાયકાથી વધુ સમય સુધી જોડાયેલા પાટીદાર સમુદાયને ભાજપની સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠન બેમાંથી એકેયનું નેતૃત્વ નહીં મળવું ખાસું કઠી રહ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની વરણીને હજી વધુ સમય થયો નથી અને તેથી તેમના બદલવાની શક્યતા ઘણી ઓછી છે. આવા સંજોગોમાં 2022 પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે કે કેમ તેની ચર્ચા છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમુદાયને ભાજપ તરફથી સ્પષ્ટ રાજકીય મેસેજ જવો જરૂરી છે. આવા સંજોગોમાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસુ હોય અને બિનવિવાદાસ્પદ હોય તેવા પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવો ઘણાંનો અભિપ્રાય બની રહ્યો છે.


આપ અને કોંગ્રેસની પાટીદાર મતદાતાઓ પર નજર-


પરંતુ 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતે પોતાના રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, તેના પરથી ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર નેતાને હવે આગળ કરવા પડશે. કોંગ્રેસમાં પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલને ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખથી માંડીને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. તો આમ આદમી પાર્ટી ભાજપથી મોહભંગ થયેલા પાટીદાર સમુદાયના લોકોમાં પોતાનો જનાધાર શોધી રહી છે.


ખોડલધામમાં પાટીદાર એક્તાનો નિર્ધાર-


આવા સંજોગોમાં કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓની એક મહત્વની બેઠક પટેલ સમુદાયની સામાજીક સાથે રાજકીય એકતાને લઈને મહત્વની સાબિત થઈ શકે છે. કાગવડની બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તેના ઉપર મંથન થયું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યુ છેકે પાટીદાર સમાજના વિકાસ અંગે બેઠકમાં ચર્ચા થઈ છે. તેમણે કહ્યુ છે કે દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહીં પણ પાટીદાર લખાશે. તેમણે ચૂંટણીમાં સારા ઉમેદવારોને ટેકો આપવાની પણ વાત કરી છે.


AAPને લઈને નરેશભાઈ પટેલનું મંતવ્ય-


ખોડલધામમાં યોજાયેલી લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ ચેરમેન નરેશ પટેલે સૂચકપણે કહ્યુ છે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. તેમણે ઉંઝાની મુલાકાતને યાદ કરીને કહ્યુ હતુ કે રાજકીય રીતે પાટીદારોને મહત્વ મળવું જોઈએ। કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી મળ્યા નથી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું આ નિવેદન એક રીતે કેશુભાઈ પટેલની અવગણના કરનારા ભાજપ માટે એક મોટો રાજકીય સંદેશ પણ માની શકાય છે. નરેશ પટેલે કહ્યુ છે કે આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. એટલે કે આમ આદમી પાર્ટી તરફ ભાજપથી મોહભંગ થઈને પાટીદાર સમુદાયનો ઝુકાવ વધી રહ્યો હોવાનું એક રીતે સ્વીકાર્યું હોવાનું પાટીદાર અગ્રણીના નિવેદન પરથી લાગી રહ્યું છે.


આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી ઈચ્છા: નરેશભાઈ પટેલ


ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યુ છે કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય. આમ સરકાર અને સંગઠનના સ્તરે પાટીદાર સમુદાયને નેતૃત્વ આપવાની દરકાર નહીં રાખવા બદલ ભાજપનો નામોલ્લેખ વગર આ કોઈ રાજકીય સંદેશ માની શકાય છે.


પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણી પણ નરેશ પટેલના સૂરમાં સૂર પુરાવતા કહ્યુ છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી. તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી છે.

Comments