‘શાકાહારી દૂધ’ની અમૂલને સલાહ આપનાર PETAના “પશુપ્રેમ”ની પોલખોલ

 

-       

             આનંદ શુક્લ

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એટલે કે પેટા ભારતમાં વિવાદોનો પર્યાય બની ગઈ છે. PETAના પશુ-પક્ષી પ્રેમના દંભની પરાકાષ્ઠાને ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં લક્ષદ્વીપમાં બીફ(ગૌમાંસ)ને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેના પહેલા ગુજરાત સહીતના ઘણાં રાજ્યોની સરકારોએ ગાય અને ગૌવંશની હત્યાની સામે કાયદાઓ અમલી બનાવ્યા છે. પરંતુ પશુપ્રેમી હોવાનો દમ ભરનારી પેટાએ હાલમાં લક્ષદ્વીપમાં બીફ પર રોક બદલ કેન્દ્ર સરકારને કે ભૂતકાળમાં ગૌવંશની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાઓ બદલ કોઈપણ રાજ્યની સરકારોને અભિનંદન આપતા પત્ર લખ્યા નથી? એક વિશેષ તહેવારના દિવસે સમુદાય વિશેષ દ્વારા હજારો ઘેટાં-બકરાં અને અન્ય પશુઓની કતલ કરવામાં આવે છે. પરંતુ ઈકો-ફ્રેન્ડલી હોળી અને ઉત્તરાયણની વાત કરનારી ટોળકીમાં સામેલ પેટા આવા મુંગા પ્રાણીઓની કત્લેઆમને રોકવા માટે ભારતની સરકાર અથવા તો સમુદાય વિશેષની સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી તહેવારની ઉજવણીનો પત્ર લખવાની હિંમત કરી શકી નથી. ભૂતકાળમાં એકાદ-બે અપવાદરૂપ ઘટનામાં સમુદાય વિશેષના લોકો દ્વારા હિંસક કાર્યવાહી બાદ પેટાના પશુપ્રેમની પોકળતા ખુલ્લી પડી ગઈ હતી.

પરંતુ પશુપ્રેમના દંભમાં રાચતી પેટાએ અમુલને એક પત્ર લખીને વેગન મિલ્કના ઉત્પાદનની વણમાગી સલાહ આપી છે. 26 મેના રોજ લખવામાં આવેલા પત્રમાં પેટા ઈન્ડિયાએ કહ્યું હતું કે અમૂલ પોતાના ઉત્પાદોના ઉત્પાદન માટે શાકાહારી દૂધ બનાવવાનું શરૂ કરી શકે છે. તેનો દાવો હતો કે ભારતીય ખેડૂતોને શાકાહારી ભોજનથી ઘણો ફાયદો થશે. જો કે અમૂલ તરફથી આપવામાં આવેલા જવાબથી પેટા ઈન્ડિયાનું મોંઢુ ખિસિયાણું થઈ ગયું છે. અમૂલના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યુ છે કે પેટા ચાહે છે કે અમૂલ 10 કરોડ ગરીબ ખેડૂતોની આજીવિકાને છીનવી લે અને 75 વર્ષોમાં ખેડૂતોના નાણાંથી બનાવવામાં આવેલા સંશાધનોને જિનેટિકલી મોડીફાઈડ સોયા માટે પોતાના માર્કેટને મલ્ટીનેશનલ કંપનીના હવાલે કરી દે, કે જેઓ પોતાના ઉત્પાદનોને વધુ કિંમતમાં વેચે છે, તેની સરેરાશ કિંમત નિમ્ન મધ્યમ વર્ગને પોષાય તેમ નથી. બાદમાં પેટા દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણનો અર્થ એવો થાય છે કે આપણે ગાયનું દૂધ પીએ છીએ, માટે ગૌહત્યા થાય છે. ડેરીથી કતલખાને તેની સપ્લાય થાય છે.

પશુ પ્રેમની વાત કરનાર પેટાને કાયદેસરના કતલખાનામાં કપાતા પશુઓના મામલે કોઈ મુશ્કેલી નથી. તે માત્ર ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની વાત કરી રહી છે. પેટા ઈન્ડિયાની વિજ્ઞપ્તિમાં આકલનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દેશમાં બિનપરવાનેદાર કતલખાનાઓની સંખ્યા 30 હજારથી વધારે છે. પરંતુ પરવાનેદાર કતલખાનામાં બેહદ ક્રૂરતાપૂર્વક કતલ થતા સેંકડો પશુઓનું શું? પેટા ઈન્ડિયા જેવી પશુપ્રેમનો દંભ કરતી સંસ્થાઓ પાસે આના જવાબમાં મૌન હોય છે. તહેવારમાં ધાર્મિક અધિકાર હેઠળ કપાતા હજારો પશુઓના મામલે પેટા ઈન્ડિયાનું મૌન તેનો દંભી પશુપ્રેમ વધુ ઉજાગર કરે છે.

ભારતની અર્થવ્યવસ્થામાં રોજગારીનો સૌથી મોટો આધાર હજીપણ ખેતી અને ડેરી ઉદ્યોગ છે. દેશની 65થી 70 ટકા વસ્તી હજી ખેતી અને પશુપાલન પર નભી રહી છે. ત્યારે પેટા ઈન્ડિયા દ્વારા ભારતના ડેરી ઉદ્યોગની છબી ખરાબ કરીને વેગન મિલ્ક જેવી બનાવટી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની મનસા દાળમાં કંઈક કાળું હોવાની આશંકા પણ પ્રેરે છે.

પેટાને લાગે છે કે દૂધનો વ્યવસાય કરનારા પશુઓ સાથે ક્રૂરતા કરે છે. પરંતુ ભારતમાં સદીઓ ખેડૂતો પશુપાલન કરે છે. ભારતના ખેડૂતો પશુપ્રેમી છે અને ક્રૂરતા કરનારા નથી. પેટાઈન્ડિયાના તર્ક પરથી તો એં જ લાગે છે કે ગૌરક્ષાના નામે હિંસા કરવાનો આરોપ પણ આપણા (હિંદુઓ) પર લાગે છે અને ગાયો કે અન્ય પશુઓ પર ક્રૂરતા કરવાના આરોપી પણ આપણે (હિંદુઓ) જ છીએ?

પેટાનો દાવો છે કે ભારતીય ખેડૂતોને શાકાહારી ભોજનથી ફાયદો થશે. અરે ભાઈ, ભારતમાં ઉદારીકરણ પહેલા શાકાહારનું પ્રમાણ ઘણું મોટું હતું, અંદાજે 60 ટકાની આસપાસ. પરંતુ ઉદારીકરણ અને વૈશ્વિકરણની આડમાં ભારતીયોના ખાનપાનને બદલવાની કોશિશો કરાઈ અને તેની પાછળનો ઉદેશ્ય ભારતમાં પશુહત્યાને પ્રોત્સાહન આપવાનો હતો. પહેલા ભારતના શાકાહારી ગણાતા લોકોના વિસ્તારોમાં માંસાહારી ભોજન સામગ્રી પિરસતી રેસ્ટોરન્ટો અને આમલેટની લારીઓ શોધી મળતી ન હતી. પરંતુ હવે આવી રેસ્ટોરન્ટો અને આમલેટની લારીઓ ઠેરઠેર થઈ ચુકી છે. ભારતમાં એક ષડયંત્ર હેઠળ શાકાહારનું પ્રમાણ ઘટાડીને માંસાહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચાલતા આ ષડયંત્રને કારણે ભારતમાં શાકાહારીઓનું પ્રમાણ 40 ટકાથી 50 ટકા વચ્ચે પહોંચી ચુક્યું છે. પરંતુ વિવાદો સાથે નાતો ધરાવતી પેટા ઈન્ડિયા આવા ષડયંત્રો વખતે પોતાના પશુપ્રેમને ક્યાં ઠેકાણે છૂપાવી રાખતી હતી?

પશુપ્રેમી હોવાનો દમ ભરતી પેટા પર અમેરિકામાં માસૂમ જાનવરોના જીવ લેવાનો આરોપ લાગતો રહ્યો છે. વર્જિનિયા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ કન્ઝ્યૂમર સર્વિસિસના રિપોર્ટ પ્રમાણે પેટાએ 2019માં 1,593, 2018માં 1,771, 2017માં 1,809, 2016માં1,411 અને 2015માં 1,456 પશુઓને મારી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, 1998થી 2019 સુધીમાં પેટા દ્વારા 41,539 પશુઓની હત્યા કરાઈ હતી.

અમેરિકન વેબલાઈટ HUFFPOST પર 2017માં પ્રકાશિત લેખમાં તથ્યો સાથે દાવો કરાયો છે કે પેટા ખુદ પશુઓને માત્ર મારતી નથી, પરંતુ અન્યને પણ આના માટે પ્રેરીત કરે છે. પેટા પર પશુઓ સંબંધિત કાયદાના દુરુપયોગ કરવાનો આરોપ પણ લેખમાં લગાવવામાં આવ્યો છે.

ભારતમાં પેટા અવાર-નવાર પશુપ્રેમની આડમાં પોતાની એજન્ડાવાદી માનસિકતા પ્રમાણે હિંદુ વિરોધી એજન્ડાને પ્રોત્સાહીત કરે છે. પશુઓની સુરક્ષાની આડમાં હિંદુઓના તહેવારો વખતે પેટા વિશેષ રસ દાખવીને નિશાન બનાવે છે. પરંતુ ઈદ જેવા ઈસ્લામિક તહેવારો પર કપાનારા બકરાં કે અન્ય પશુઓને લઈને પેટા ઈન્ડિયાના મોંઢામાં મગ ભરાઈ જાય છે. હિંદુઓને શાકાહારી બનવાનો હવે ઉપદેશ આપી રહેલી પેટા ઈન્ડિયા સમુદાય વિશેષને પશુઓને કાપવાની પદ્ધતિ પણ જણાવે છે.

પેટા ઈન્ડિયા ખરેખર પશુપ્રેમી હોય, જીવદયા પ્રેમી હોય તો એક પડકારનું બીડું ઝડપે. ભારતમાં તમામ કતલખાના બંધ કરાવવા, તમામ પશુઓની કતલ બંધ કરાવવી અને લોકોને શાકાહાર તરફ વાળવા. આની શરૂઆતમાં ભારતમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદાને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરાવવાની પેટા ઈન્ડિયા મુહિમ ચલાવવા માટે શું તૈયાર છે? આના મામલે પણ પેટા ઈન્ડિયાએ જવાબ આપવો જોઈએ કે પશુઓની હત્યા કરીને તેમના માંસને ખાવું વધારે હિંસક છે કે પશુઓનું પાલન કરીને તેમનું દૂધ પીવું?

Comments